સ્વામીએ એક દિવસ શિવલાલને કહ્યું જે, ‘આજ કયાં ગયાં હતા ?’ પછી હાથ જોડીને કહ્યું જે,‘આજ તો શહેરમાં ગયો હતો, તે ત્યાંથી એક રસોઇ લઇ આવ્યો છું.’ પછી સ્વામીએ કહ્યું,‘રસોઇ કેવી ?’ ત્યારે શિવલાલે કહ્યું જે,‘સોનું લઇને બીજે દીધું તેમાંથી દોઢસો રૂપિયા રહ્યા તેની રસોઇ.’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘એ તો ઠીક પણ સોનું લેવાનો સંકલ્પ થયો, પણ કોઇ દિવસ સો કરોડ મણ ઢૂંસા લઇને કમાણી કરીએ, એવો સંકલ્પ થાય છે ?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિપુરુષ સુધી તો ઢૂંસા જ છે; પણ તેમાં કાંઇ માલ જણાતો નથી. ને તમે એટલી ઘડી આવા સાધુનાં દર્શન અને વાતો મૂકીને શી કમાણી કરી ?’ અમે કહીને બુદ્ધિનો ડોડ ટાળી નાખ્યો. ।।૨૨।।

