એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે,‘ગોલોકને મધ્યે જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે, તે કેમ સમજવું ?’ એ પ્રશ્ન છે, પછી સ્વામી બોલ્યા જે,‘જેવી જેની સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્યું હોય; તેમાં કેટલાકે તો બદરિકાશ્રમને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો શ્વેતદ્વીપને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો વૈકુંઠલોકને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્યું હોય, પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે. તે ઉપર પ્રથમનું ત્રેસઠમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘જુઓને મહારાજ લખી ગયા છે જે, જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય ને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય ને સાપને મધ્યે સમળી હોય તે મોટી દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય ને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય ને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિશે મોટો જણાય છે; તેમ ગોલોકને મધ્યે અક્ષરધામ છે એમ સમજવું. પણ કાંઇ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે; તેમ એવી જ રીતે અનંત ધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે પણ કાંઇ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી. અને બીજા ધામની અવધિ કહી છે પણ અક્ષરધામની તો અવધિ કહી નથી, એ સિદ્ધાંત વાત છે. ।।૨૩।।

