વળી સ્વામીએ વાત કરી જે, ‘જેવો સત્સંગ થાય છે તેવો જણાય જ નહિ, ને કોઇકને જણાય તો સત્સંગ કરે નહિ, ને જો કોઇક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહિ, ને જો થાય તો જાળવવો બહુ કઠણ પડે છે, તે કાં તો બહેકી જાય ને કાં તો ગાંડો થઇ જાય, પણ જળવાય નહિ. અને તે સત્સંગ કોણ જાળવે ? તો જેને મહારાજને વિષે ને આ મોટા સંતને વિષે માહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ થાય તે જ જાળવે પણ બીજાથી તો જળવાય નહિ.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘આજ વર્તમાનકાળે જેણે દેહ ધર્યા છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે ને જેને આવા સાધુની ઓળખાણ થઇ છે તેને તો બેય પગલાં અક્ષરધામમાં જ છે; પણ જેને એ વાતનું જ્ઞાન નહિ તેને એ વાત સમજાય નહિ. ને આ સત્સંગમાં તો અનંત પ્રહ્લાદ, અનંત અંબરીષ ને પર્વતભાઇ જેવા અનંત છે, પણ સાધુના સમાગમ વિના જ્ઞાન થાય નહિ ને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહિ ને મહિમા જાણ્યા વિના સુખિયો થાય નહિ, એમાં કાંઇ સંશય નથી.’ ।।૨૬।।

