એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને સ્વામીએ વાત કરી જે,‘એક કઠિયારો હતો તે લાકડાનાં ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની ઝાડીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઇક શાહુકાર હતો તેને આવી. પછી તે શાહુકારે પૂછ્યું જે, આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે ? પછી સર્વેએ કહ્યું જે, આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી તે શાહુકારે ત્યાં જઇને બાળતાં થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. તે એણે જયારે દેહ મૂકયો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દષ્ટાંત છે, એનો સિદ્ધાંત તો એ છે જે, હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે ને બાવના ચંદનને ઠેકાણે તો મનુષ્યદેહ છે. તે ખબર વિના સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ તેને વિષે બાળી દે છે, તેમ આપણે બાળવું નહિ. આપણે તો ‘અથર્ં સાધયામિ કે દેહં પાતયામિ.’ એમ જ કરવું.’ એમ કહીને બોલ્યા જે, ‘કોટિ જન્મ લગ રગડ હમારી, વરું શંભુ કે રહું કુમારી . ’ એટલી વાત કરીને ઊઠ્યા. ।।૩૦।।

