સ્વામીએ વાત કરી જે, ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે ને તે અંતરમાં ટાઢું જોઇને મોટા સાધુ રાજી થાય, ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખિયો થઇ જાય, ને જેનું અંતર ગંધાતું હોય તેને દેખીને શું રાજી થાય ? ત્યારે પૂછ્યું જે,‘ભગવાન ને સાધુ તો બહુ રાજી થયા.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘જો મહારાજ રાજી ન થયા હોય તો આવો યોગ કયાંથી થાય ?’ તે મહારાજે પોતે કહ્યું છે જે,‘મારો રાજીપો થાય તેને બુદ્ધિયોગ આપું છું, ને કાં તો રૂડા સાધુનો સંગ આપું છું.’ તે બુદ્ધિયોગ તે શું ? તો બુદ્ધિને વિષે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય.’ ત્યારે પૂછ્યું જે, ‘ભગવાન નિરંતર રાજી કેમ રહે ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહિ અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઇચ્છવું નહિ, ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો, તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઇ સંશય નથી.’ ।।૩૨।।