સ્વામીએ એમ વાત કરી જે, સત્સંગમાં એમ વાત થાય છે જે, જીવ બ્રહ્મરૂપ થઇ જાય. ત્યારે પૂછ્યું જે, ‘સત્સંગમાં વાત તો થાય છે, તોય જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તોપણ તેનો વિશ્વાસ ન આવે.’ ત્યારે વળી પૂછ્યું જે,‘હેતે કરીને જીવ બાંધ્યો હોય તેમનો વિશ્વાસ કેમ ન આવે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આ જલે ભકતે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે પણ મારો વિશ્વાસ ન આવે.’ એમ કહીને વળી બોલ્યા જે,‘વિશ્વાસ તો હોય, તોપણ નિષ્કપટપણે વર્તાય નહિ, ને નિષ્કપટપણે વર્તાય તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે નહિ, એ સિદ્ધાંત વાત છે.’ ।।૩૩।।