એક દિવસ સ્વામી સૂતા હતા તે બેઠા થઇને પ્રશ્ન પૂછ્યું જે, ‘સારામાં સારું તે શું છે ? ને ભૂંડામાં ભૂંડું તે શું છે ?’ ત્યારે કોઇ બોલ્યા નહિ. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે તેથી કાંઇ સારું નથી ને તેથી કાંઇ સારું સમજવાનું પણ નથી, ને ભૂંડામાં ભંૂડું શું છે ? જે આ ભગવાન ને સાધુને વિષે મનુષ્યભાવ આવે છે, તેથી બીજું કાંઇ ભૂંડું નથી. તે મનુષ્યભાવ શેણે કરીને આવે છે ? તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચવિષયે કરીને પણ નથી થાતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદસ્વામીને માથે પાણા નાખ્યા, ને ઝોળીમાં દેવતા નાખ્યા, તે દેવતાના કાઢનાર (ગુ.સ્વામી પોતે) આંહીં બેઠા છે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે. તે જીવ થકી ખમાય નહિ; ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે અને વળી કોઇ અવગુણ લેશે તે પણ પામશે, ને તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે પણ સુખ તો કયાંઇ થાય નહિ.’ ।।૩૬।।

