એક દિવસ સ્વામીએ એમ વાત કરી જે, ‘કેટલાક એમ જાણે છે જે, સ્વામી અમારી કોર છે ને કેટલાક એમ જાણે છે જે, સ્વામી અમારી કોર છે; એમ એ સર્વે પોતપોતાના અભિપ્રાય પ્રમાણે અમારો અભિપ્રાય જાણે છે. પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદ્ગુરુ પણ જાણી શકયા નથી, તો આજ તમે શું જાણશો ?’ ત્યારે પૂછ્યું જે, બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે ? ત્યારે સ્વામી બોલ્યા જે, ‘શું ધૂળ જાણે ! જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે ? નથી જાણતો; તેમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહિ, એ સિદ્ધાંત વાત છે.’ ।।૩૭।।