સ્વામીએ એમ વાત કરી જે,‘ભગવાનમાં જોડાવું કાં સાધુમાં જોડાવું.’ ત્યારે પૂછ્યું જે, ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય ? ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય ? પછી સ્વામી બોલ્યા જે,‘ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનનાં ચિહ્ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા, તે અહોરાત્રિ કર્યા-સાંભળ્યાં વિના રહેવાય નહિ; ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા ને વાતો તે અહોરાત્રિ કર્યા-સાંભળ્યા વિના રહેવાય નહિ, ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે.’ અને વળી એમ વાત કરી જે, ‘જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે.’ ત્યારે પૂછ્યું જે, આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તોપણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે ? પછી સ્વામી બોલ્યા જે,‘એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી ને જો બંધાણો હોય તો જાય નહિ. જેમ આ લીંબડો છે તે જે દિવસ અમે મંદિર કરતા હતા, તે દિવસ બે વેંતનો હતો ને એક મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું ને હવે આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તોપણ ઊપડે નહિ. તેમ ઘણા દિવસ રહીને જેણે સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચવિષય કે કામાદિક દોષનો પાડ્યો સત્સંગમાંથી પડે નહિ.’ એમ કહીને બોલ્યા જે,

પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ । સ રૂવ સાધુષુ ઇંતો મોક્ષદ્વારમપાવૃતમ્ ।।

એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું છે ને એમ ન રહેવાય તો ‘મોક્ષમાર્ગે દીધાં કમાડ  કડી જડી બારણે.’ ।।૪૨।।