સ્વામીએ વાત કરી જે, હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે, તે મહારાજને આવવું પડે, તે સારુ આવરદા વિના મહારાજે મને રાખ્યો છે તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે. ને આવરદા તો અઠ્ઠાવન વરસથી વધુ નથી, એમ જન્મોત્રીમાં લખ્યું હતું ને તે વિના દેહ રહ્યું છે, તે તો આ સોરઠ દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત, તેને પોતાનું સુખ દેવા સારુ મહારાજે મને રાખ્યો છે. તે શા સારુ ? તો પોતાનું સુખ દેવાણું નહિ, તેને પોતાનું સુખ દેવા સારુ; પોતાનું સર્વસ્વ હતું તે સાધુ-સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે તે મુકતાનંદસ્વામીના કીર્તનમાં કહ્યું છે જે :

ઐસે મેરે જન એકાંતિક, તેહિ સમ ઓર ન કોઇ; મુક્તાનદં કહત યું મોહન, મરેો હિ સર્વસ્વ સોઇ.

એવા સાધુ મળ્યા છે ત્યારે શી વાતની કમી  રહી ? તે ઉપર સવૈયો બોલ્યા જે,

સાચે સંત મીલે કમી કાહુ રહી, સાચી શીખવે રામકી રીતકું જી,

પરાપર  સોઇ પરિબ્રહ્મ હે, તામે ઠેરાવે  જીવ કે ચિત્તકું જી;

દઢ આસન સાધકે ધ્યાન ધરે, કરે ગ્યાન હરિગુન ગીતકું જી,

બ્રહ્માનંદ કહે દાતા રામહુકે , પ્રભુ સાથ બઢાવત પ્રીતકું જી.

ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતો કરે છે, મળે છે ને દષ્ટિ માંડીને જુએ છે. એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતો કરીને સુખિયા કરી નાખ્યા. ।।૫૩।।