સ્વામીએ વાત કરી જે, જુઓને એક પુરુષ ઊગ્યો તે પચાસ કરોડ યોજનમાં અંધારું ન રહ્યું, તે જેમ સૂર્યના કિરણે કરીને રાત્રિનો નાશ થાય છે, તેમ સત્પુરુષની દષ્ટિ વડે કરીને તો કોઇ દેશમાં અજ્ઞાન રહે જ નહિ. અને તે સત્પુરુષ વિના તો જેમ :
સોળકળા શશી ઊગહિ, તારાગણ સમુદાય, સબ ગિરિ દાહ લગાઈએ, રવિ બિન રાત ન જાય.
તે આવા સાધુ વિના અજ્ઞાન જાય નહિ અને અજ્ઞાન ગયા વિના સુખ પણ થાય નહિ. અરે ! અમારે તો ઘણુંયે જ્ઞાન દઇને બ્રહ્મરૂપ કરવા છે, પણ શું કરીએ ? જીવને ખપ નહિ ને વળી કારખાને ગળે ઝાલ્યા ! ને તે જ્ઞાન કહેવા નવરા થાતા નથી. કેમ જે, જેમ જબરા ખેડુને વેર અપરવારે ગયું, તે નવરા થાય નહિ ને વેર વાળવા જાય નહિ. તેમ અમારું જ્ઞાન અપરવારે ગયું; પણ હવે સાધુ-સત્સંગીને મારી પાસે રાખીને વાતો જ કરવી છે, જેણે કરીને બ્રહ્મરૂપ થઈ જાય. એમ કહીને બોલ્યા જે વાતો સાંભળી લેજો; પછી આવો યોગ મળવો બહુ દુર્લભ છે; માટે સમાગમ તો કરી લેજો. એમ કરીને કહ્યું જે,‘ચેતનવાલા ચેતજો કહત હું હાથ બજાય’ અમે તો તાળી વજાડીને કહીએ છીએ, પછી વળી કહેશો જે કહ્યું નહિ. ।।૫૪।।

