એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે,”બીજા અવતારે વર્તમાન પળાવ્યા નથી ને કલ્યાણ તો કર્યા છે ને આજ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે તેનો શો હેતુ છે ?” પછી સ્વામી બોલ્યા જે, બીજાએ કલ્યાણ તો કર્યા છે પણ કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા નથી ને જો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા હોય તો ગોલોક અને વૈકુંઠ લોકમાં કજિયા શા સારુ થાય ? માટે ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વઢવેડ  કરી, ને વૈકુંઠ લોકમાં જય-વિજયે સનકાદિક સાથે વઢવેડ કરી છે; તે એમ જાણવું જે, ત્યાં કારણ શરીર નહિ ટળ્યું હોય, ને મહારાજ તો કારણ શરીર ટાળવા સારુ સાધુ ને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે. તે માટે સાધુ ભગવાનની ઉપાસના કરાવે છે, ને નિયમે કરીને ભગવાનની આજ્ઞા પળાવે છે, તેણે કરીને કારણ શરીરનો નાશ થઇ જાય છે.’ તે ઉપર કારિયાણીનું બારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આ વચનામૃતમાં મહારાજે સિદ્ધાંત કહ્યા છે. તે સારુ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે, એ હેતુ છે.’ ।।૫૫।।