સ્વામીએ વાત કરી જે, કૃપાનંદસ્વામીનો એમ મત જે “ગળામાં ઊની કોશ ઘાલે એટલી પીડા થાય, તોપણ ભગવાનની આજ્ઞા લોપવી નહિ.” ને વળી કૃપાનંદસ્વામી એમ કહેતા જે,”સ્વપ્નનો ઉપવાસ તો પડે નહિ, ને જો પડે તો દેહ પડી જાય,” એવો પોતાનો ઠરાવ; ને વિષયની બીક તો કેવી રહે જે, અલ્પ વચનમાં ફેર પડે તો મહત્ વચનમાં ફેર પડ્યો હોય, એટલી બીક લાગે. તે મેં એક દિવસ નજરે દીઠું છે. એવા કૃપાનંદસ્વામી તે તો ગંગાજીના જળ જેવા છે; તે જેમ ગંગાનો પ્રવાહ ચાર ગાઉમાં ચાલ્યો જાય છે, તે કોઇનો હઠાવ્યો હઠે નહિ; તેમ તેમની વૃત્તિ કોઇની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. એક દિવસ કૃપાનંદસ્વામીની સમાધિ જોઇને સચ્ચિદાનંદ- સ્વામીએ કહ્યું જે,”અમારે કૃપાનંદસ્વામીના જેવું હેત નહિ ને એવા હેતવાળા તે તો ગંગા જેવા ને ગોપાળાનંદ સ્વામી તે તો દરિયા જેવા. તે તો અનંત જીવને સુખિયા કરી નાંખે તેવા હતા. એમ કહીને બોલ્યા જે, જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાળાનંદસ્વામી હતા, તેવા તો જણાણા જ નહિ ! ને આજ સાધુ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ જાશે. કેમ જે, એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે ? ને બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે, પણ જેમ છે તેમ સમજાવતાં આવડશે નહિ, એ સિદ્ધાંત વાત છે.” ।।૫૭।।

